મુખ્યમંત્રીશ્રીએ 21મી સદીના ભારતના વિકાસમાં જ્ઞાન, વિજ્ઞાન, સંશોધન અને ટેકનોલોજીની ભૂમિકાને મહત્ત્વપૂર્ણ ગણાવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’ સાથે આપેલ ‘જય અનુસંધાન’નો મંત્ર દેશની સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, વૈજ્ઞાનિક પ્રગતિ અને સંશોધનને એકસાથે જોડે છે. તેમણે કહ્યું હતું કે, આજે પ્રાકૃતિક ખેતી, ટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણના સમન્વયથી અન્નદાતાના સશક્તિકરણ તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવાની સાથોસાથ પાણી અને વીજળીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા તેમજ વૃક્ષારોપણ અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા સૌને અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ આજે નિમણૂક પામેલ સૌ મદદનીશ ખેતી નિયામકોને અભિનંદન પાઠવી, કૃષિમાં ટેકનોલોજી થકી વિકાસ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.